ચિંતન લેખ
*દુઃખમાં વ્યક્તિનું વ્યક્તિત્વ નીખરે છે*
આખું જગત માનવીઓ થી ભરેલું પણ દરેક માનવીના મન અને મગજ અલગ છે. દરેકની જોવાની દ્રષ્ટિ, સમજવાની શક્તિ, અમલીકરણ કરવાની શક્તિ અલગ છે. દરેકની સુખ, શાંતિ અને આનંદની, ખુશીની વ્યાખ્યા અલગ છે. તો દુઃખ શું છે ? કોને દુઃખ માનવું ? તેની માન્યતા પણ અલગ છે. કહેવાય છે કે માણસે માણસે જુદાં જુદાં વિચાર.
માનવી માટે પ્રથમ સુખની વ્યાખ્યામાં પોતાનું ઘર, સારી નોકરી, સારી છોકરી, અને સારા બાળકો ઈચ્છે છે. નવું આલિશાન ઘર હોય અને તેમાં તમામ પ્રકારના સુખનાં સાધન હોય, ઘરને હવે લોકો હોટેલ જેવું બનાવવા માંડ્યા છે. ઘર આપણું એમાં આપણે બિન્દાસ કંઈ પણ કરી શકીએ, ગમે ત્યાં કંઈ પણ મૂકી શકીએ પરંતુ હવેના ઘરમાં બધું વ્યવસ્થિત જ મૂકવું પડે, આપણે જાણે એમાં મહેમાન રહેતા હોય. લાદી એટલી લીસી કે જલ્દી જલ્દી ચલાય ના, કશું એના પર પડે તો તૂટી જાય, સાંબેલા નો અવાજ તો હવે સ્વપ્નમાં પણ નથી આવતો. આપણે માટીનાં ઘરમાં જે ઠંડક અનુભવતાં, દોડી શકતાં, કંઈ પણ ખાંડી શકતાં, બીક વગર ચાલી કે દોડી શકતાં, તેવું હવે નથી. આ સુખ છે કે દુઃખ કંઈ ન સમજાય.
સુખમાં દરેક સુખી કુટુંબ એક સરખી રીતે સુખી હોય પરંતુ દરેક દુઃખી કુટુંબ પોતપોતાનાં વિશિષ્ટ દુઃખ થી દુઃખી હોય છે. સુખમાં ખાસ કશું વૈવિધ્ય જેવું હોતું નથી અને જે વસ્તુમાં નાવીન્ય ના હોય એની મજા શી હોય? પ્રથમ નજરે આપણે જેને દુઃખ માનીએ છીએ, એમાં ઈશ્વરે એટલું બધું અપાર વૈવિધ્ય ભર્યું છે કે એમાંથી પસાર થયા પછી કે એનો સામનો કર્યા પછી, આપણામાં જાણે કે એક નવો સંચાર થતો અનુભવાય છે. ઘણીવાર આપણને એવું પણ થાય કે, અરે! મારામાં આટલી બધી સહનશક્તિ હતી? મુશ્કેલીઓ સામે ઝઝૂમવાનું આટલું બધું બળ ક્યાંથી આવ્યું ? ખરેખર દુઃખ અથવા મુશ્કેલીઓમાં માણસની આંતરિક શક્તિઓ પૂરબહાર ખીલી ઉઠતી હોય છે. માણસની અંદરથી કોઈક અગમ્ય શક્તિઓ કે ઉત્સાહની જાણે સરવાણીઓ ફૂટતી હોય છે. સોનું જે રીતે અગન જ્વાળાઓમાં ઘડાઈને નવો અને આકર્ષક ભર્યો આકાર ધારણ કરે છે એમ વિપત્તિ માંથી બહાર આવેલ વ્યક્તિમાં પણ કોઈક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ અને ઓજસ જોવા મળતાં હોય છે. જો આવું ના હોત તો દુનિયામાં ફક્ત એકસરખું કહી શકાય એવું જ જીવન હોત માણસે હંમેશાં પડકારો, પ્રશ્ન કે સમસ્યા સામે બાથ ભીડી અને એટલે જ આદિમાનવ થી તે આજના ઈન્ટરનેટ સુધીના યુગની આધુનિક માનવીની આખી વિકાસગાથા રચાય છે. સુખની સુંવાળપ થકી નકામો અને નિરસ બની જતો માણસ આપત્તિ કાળમાં ઘડાઈને ઊજળો બની જતો હોય છે.
સુખ અને દુઃખ બંનેની બાબતમાં ઉપરછલ્લી રીતે દેખીતી હકીકતો, વાસ્તવમાં તેના પ્રત્યક્ષ અનુભવ પછી, કઈક અલગ સ્વરૂપે જ આપણને જોવા મળે છે. બહારથી દેખાતું વૈભવ ક્યારેક વ્યક્તિના પતનનું કારણ બની જાય છે.
માણસની શક્તિ ઘણીવાર મુશ્કેલી કે વિપત્તિના સહકાર થકી, ઘસાઈને અથડાઇને, એક અસાધારણ શક્તિમાં પરિવર્તિત થતી હોય છે. આજે જગતમાં આપણે જે કંઈ પ્રગતિ સુધારા કે અવનવી શોધો જોઈ રહ્યા છીએ તેની પાછળ આવા સંઘર્ષશીલ લોકોનો પરિશ્રમ રહેલો છે. સુખી માણસોનું જીવન તો બે લીટીના શ્રુત લેખન જેવું હોય, આપત્તિને અવસરમાં પલટી નાખનારા યુગપ્રવર્તક એ તમામ મુશ્કેલીઓને મહાત કરનારા લોકો હોય છે.
કિરણબેન બી શર્મા " પ્રકાશ "
No comments:
Post a Comment