Thursday, December 28, 2023

માનવી - સંબંધ અને પ્રેમ

-: માનવી - સંબંધ અને પ્રેમ :-

કુદરતની બનાવેલ આ દુનિયામાં અમૂક બાબત ખૂબ જ મહત્ત્વની છે. આમાં માનવ સાથે જોડાયેલ એક ખાસ બાબત એ છે કે માનવી સંબંધોથી પ્રેમ કરે છે કે પ્રેમ કરે છે એટલે સંબંધ રાખે છે. આટલી વિશાળ ધરતી પર માનવીનો પોતાનું વર્તુળ ફક્ત તેના ઘર, કુટુંબ, ફળિયું અને નોકરી ધંધા પરના સહ કર્મચારીઓ તથા સાથે ભણતા મિત્રો, બસ આટલાં થી તે રૂબરૂ પરિચિત હોય છે. જિંદગીનાં મોટાં ભાગનો વધુ સમયમાં બસ આટલાં ને જ ઓળખતો હોય છે અને તેમની જિંદગીની વાતો જાણતો હોય છે. તેમના સુખ દુઃખનો ભાગીદાર બનતો હોય છે. તો શું તે આ બધાને મતલબથી પ્રેમ કરે છે? અહીં પ્રેમ એટલે લાગણી! તેમને મળવાથી આનંદ થાય, ખુશી મળે અને જો છૂટા પડીએ તો દુઃખ થાય, રડવું આવે, આંખ ભરાઈ આવે. આજ સુધી આપણી પાસે આ બધાની લાગણીનું કોઈ નામ નથી.
  બધા જ ઓળખીતા પાળખીતા મળવાથી જે આનંદ મળે, ખુશી મળે અને છૂટા પડવાથી જે દુઃખ થાય તે બધું જ એક મીઠી યાદ બનીને આપણા મન મગજમાં છપાઈ જાય છે. કુદરતે દરેક માનવીને આ કેવું હૃદય આપ્યું છે? કેવી લાગણી, ભાવના મૂકી છે! કે તે અજાણ્યા માણસ પ્રત્યે ઉદ્ભવતી નથી અને જાણીતા ઓળખીતા માનવીને કઈ થાય તો તરત જ હૈયામાં ફાળ પડવા લાગે છે. રસ્તામાં ઘણા અકસ્માત થાય છે. આપણે ત્યાંથી પસાર થઈએ છીએ. જોઈએ છીએ, પૂછીએ છીએ, શું થયું ?કોણ છે ? જો જવાબમાં કોઇ અજાણ્યા માણસ છે. એવી ખબર પડે તો આપણે ઊભા રહેતા નથી, કદાચ માનવતા બતાવી ઊભા રહી અને પોલીસ કે એમબ્યુલન્સ બોલાવીએ પણ એ ફક્ત ઓપચારિક્તા નિભાવતા હોઈએ છીએ. મનને કોઈ એવું ખાસ દુઃખ લાગતું નથી, પરંતુ આપણા કોઈ અંગત હોત તો આપણે પણ દુઃખી થઈ હિંમત હારી જઈએ છીએ . 
       આ જ વાત છે, આપણા હૃદયની લાગણી અને આપણા સંબંધની. આજે તો દરેકની ફોન ડાયરીમાં અસંખ્ય નંબર હોય છે , પરંતુ શું તમારું વ્યક્તિત્વ એવું બન્યું છે ખરું! કે બધા નંબરને તમારી પ્રત્યે લાગણી થાય? તમારા સુખમાં એ હાલ પૂછે? 
  પ્રાણીઓને જો પ્રેમ આપો તો તે ક્યારેય આપણા પ્રેમને ભૂલતો નથી, પણ માનવી મતલબ વગર પ્રેમ કરી શકતો નથી.
  મતલબ સાથે તો બધા પ્રેમ કરે પણ કોઈ અન્યને મતલબ વગર, આશા વગર, કોઈ મહેનતાણું મળશે એવી ઇચ્છા વગર સામેની વ્યક્તિ પણ આપણને પ્રેમ કરશે એવી કોઈ ખેવના વગર, સંપૂર્ણ નિસ્વાર્થ પ્રેમ, ચાહત કરી જુઓ. ખુશી મળશે. પાછું કશું મેળવવું નથી બસ એ ભાવનાને કારણે તમને કોઈ દુઃખ થાય જ નહીં અને પરિણામે તમે તમારી તમામ ફરજ અદા કરી શકશો. પ્રેમ કરવા બે વ્યક્તિની જરૂર નથી એટલે સામેની વ્યક્તિ પણ પ્રેમ કરે એવી આશા પણ ઠગારી. આપણને પ્રેમ છે તો બસ અમાપ રીતે તેને ચાહતા રહેવાનું અને તેથી સંબંધથી થતો પ્રેમ અને સંબંધ વગર થતો પ્રેમ બંને અલગ છે. સંબંધમાં દરેક પ્રેમને એક નામ હોય, તે શરીર સાથે જોડાયેલો હોય છે. જ્યારે સંબંધ વગરના પ્રેમને કોઈ નામ નથી. તેથી તે આત્મા, રૂહ સાથે જોડાયેલો હોય છે અને તેથી તેવા સંબંધનું મૃત્યુ થતું નથી. સંબંધ સાથે નો પ્રેમ તો માનવી ગમે ત્યારે તોડી નાખે કે મરી જાય તો પૂરો થઈ જાય પરંતુ સંબંધ વગરનો પ્રેમ કાયમ માટે અમર જ હોય છે.

કિરણબેન શર્મા ' પ્રકાશ ' 

No comments:

Post a Comment