Wednesday, December 27, 2023

સંસાર રથનાં બે પૈડાં

*સંસાર રથનાં બે પૈડાં*

આપણે જાણીએ છીએ કે સંસાર રથનાં બે પૈડાં સ્ત્રી અને પુરુષ એકબીજાની સહભાગિતાથી સુખી જીવન જીવે છે. જેટલું મહત્વ સ્ત્રીને આપવામાં આવે છે. તેટલું જ મહત્વ પુરુષનું પણ છે. પુરૂષ ઘરનો મોભ, છત્ર, રક્ષણહાર અને પરિવાર પાલનકર્તા છે. જિંદગીની સંખ્યામાં પહેલો એકડો ગણાય છે. પુરાતન- પ્રાચીન - આદિકાળથી સમગ્ર સૃષ્ટિ મનુષ્યથી જ આબાદ થયેલી છે.
 ભગવાને નર - નારીની જોડી બનાવી છે. પશુ- પક્ષી, માનવ અને જીવ - જંતુમાં પણ નર- નારી બનાવ્યા છે. બંનેની જોડીથી જ આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. દરેક સજીવમાં આપણે જોયું કે નરને શક્તિશાળી, શરીરે ભરાવદાર, ખડતલ અને નારી કરતાં વધુ સક્ષમ બનાવ્યા છે. તેમનાં સ્વભાવમાં પણ અલગતા રાખેલ છે. જેવું નરનું શરીર ખડતલ હોય તેવું તેમનું મન પણ કઠોર હોય છે. લાગણી, ભાવના, પ્રેમથી તો ભરેલાં જ હોય પણ સ્રી જેટલા પોચાં હૃદયના વાત વાતમાં રડી પડે તેવા હોતા નથી. ભગવાને પુરુષનું હૃદય વજ્ર જેવું બહારથી કઠોર અને અંદર મીણબત્તી જેવું નરમ બનાવેલું હોય છે.
 પુરુષ હંમેશા સ્ત્રીની ઇજ્જત કરે છે. સ્ત્રીનું રક્ષણ કરે છે. તેમને માન સન્માન આપે છે. લગ્ન કરી જ્યારે તે પોતાની પત્નીને લાવે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી તે નિભાવે છે. માતા-પિતા માટે કહ્યાગરો દીકરો, બેની માટે ભાઈ બની તેને સ્નેહ આપે છે. પત્ની માટે આદર્શ પતિ, વળી સમાજમાં પણ મિત્ર, કાકા, ભત્રીજો, ભાણો, મામા, દાદા જેવા પાત્ર નિભાવે છે. તમામ સંબંધોની જરૂરી ફરજો પૂરી કરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પણ કર્તવ્યનિષ્ઠ, સાચો વફાદાર કાર્યકર બને છે. પોતાના પરિવાર પર આવતી કોઈપણ પ્રકારની આફત સમયે તે ઢાલ બની આગળ ઊભો રહી જાય છે. પરિવારના તમામ સભ્યોની, તમામ પ્રકારની જવાબદારી ઉઠાવે છે. ઘરમાં પુરુષને કારણે જ એક સુવ્યવહારુ અને આયોજન મુજબનું જીવન જીવાય છે. ઘરના દરેક સભ્ય, ઘરમાં પુરુષ હોય ત્યારે, મર્યાદામાં રહી થોડા ચુસ્ત નિયમોમાં રહી કામ કરે છે. ઘરનાં બાળકો, પત્ની, બેન, ભાઈ આવા વડીલોનું માન-સન્માન જાળવી તેમની આજ્ઞા પાળતાં હોય છે. આથી તો પુરુષને ઘરનો મોભી ગણવામાં આવે છે. પુરુષ થકી ગામ, સમાજ કે કાર્યક્ષેત્રમાં કુટુંબની એક આગવી ઓળખ મળતી હોય છે.
 રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, શ્રવણ, કર્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, પ્રહલાદ, મહાવીર સ્વામી, ગાંધીજી, ભગતસિંહ જેવાં ઘણાં મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રને આજે પણ પુરુષો અપનાવે છે. સ્ત્રીના જીવનમાં ફક્ત પુરુષ એટલે  પતિ જ નહીં, પણ પુત્ર, પિતા, મિત્ર, ભાઈ પણ આવે છે. જેમને તે પોતાના રક્ષક માને છે અને તેમની છત્રછાયામાં તે ભય મુક્ત જીવન જીવે છે. પુરૂષ ફક્ત પોતાના કુટુંબની જ નહીં પણ સમાજ અને દેશનું રક્ષણ કરવાની જવાબદારી પણ નિભાવે છે. આમ સ્રી માટે એક પુરુષ તેનું સાત રંગોમાં રંગાયેલું મેઘધનુષ જ જોઈ લો. તેમાં સલામતી, સ્વીકૃતિ, સહકાર, સંવેદના, સમર્પણ, સંગાથ અને સંવાદ રહેલા છે. વળી પુરુષને આપણે દરિયા સાથે પણ સરખાવીએ તો એવો જ લાગણીથી ઊંડો અને પ્રેમના મોજાની ભરતીનો ઘૂઘવાટ કરતો જોવા મળશે. તેના ઊંડાણમાં ઊતરશો તો અનમોલ મોતી જેવી કેટલીય લાગણીઓ જોવા મળશે. દૂરથી દરિયા જેવો, ધીર ગંભીર લાગતો માનવી પોતાની અંદર કેટલાય તોફાન અને રાઝ દફન કરીને હસતાં મુખે પરિવારની કાળજી રાખતો હોય છે.
 પુરૂષને પણ સમજવાની જરૂર હોય છે. સમાજના ઘણાં પ્રશ્નો તો એમ જ બંધ થઈ જાય જો બધા પુરુષને કે તેના મનને સ્પર્શી શકે, સમજી શકે.
આપણે સ્ત્રીને મહત્ત્વ આપીએ છીએ તેટલું મહત્ત્વ જગતમાં પુરુષનું પણ છે.  સંસાર રથનાં બે પૈડાં સમાન હોય તો જ સૃષ્ટિનું તમામ કાર્ય સુચારુ રૂપથી ચાલે છે.
સ્ત્રીનાં બલિદાનની  વાત અને કર્તવ્ય પરાયણતા ને બધાં ઓળખે છે. સરાહે છે. સાથે પુરુષનું પણ એટલું જ મહત્ત્વ છે. સંસાર રૂપી રથનાં બન્ને પૈંડા સમાન છે ત્યારે જ સહજતા થી સરળતા પૂર્વક ચાલે છે. બંનેના સમાન મૂલ્યને સમજી માન આપવું જોઈએ.
કિરણબેન શર્મા ' પ્રકાશ ' 

No comments:

Post a Comment