Friday, December 8, 2023

આપણું જીવન એક ગણિત

*આપણું જીવન એક ગણિત*

કદાચ તમને પ્રશ્ન થશે કે વળી જીવન અને ગણિતને શું લાગે વળગે? પરંતું ખરેખર ડગલે ને પગલે ગણિત એ જીવનનાં તાણા વાણા સાથે વણાઈ ગયું છે. માનવી પોતાની લાગણી સાથે જીવન સરિતામાં વહેતા વહેતા અહીં સુધી પહોંચ્યા. જો કે આ કોઈ ગણતરી નથી. આપણે  તો એકબીજાનાં સહકારથી ઘણી દૂર સુધી વિહાર કરવાનો છે. હવે  જોઈએ કે ગણિત જીવનમાં તાણાવાણા ની જેમ કંઈ  રીતે વણાઈ ગયું છે. સૂર્યની પહેલી કિરણ થી લઈ રાત્રિના છેલ્લા પહોર સુધી માનવીનાં જીવનમાં દરેક જગ્યાએ નાનું મોટું ગણિત વણાઈ ગયું છે.
 આપણે તો કદાચ શાળામાં ભણવામાં આવતા ગણિત વિષયને જ જાણતા હોઈશું, પણ ના! એ જ ગણિત જેમ કે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ આપણા દૈનિક કાર્યમાં વણાઈ ગયું છે. સવારે ઉઠતાની સાથે માનવી તેના મન મગજમાં ગણિતનાં કોયડા જ બેસાડતો હોય છે. આમ, લગભગ દરરોજની રોજિંદા જીવનની ઘટમાળ એવી ગોઠવાઈ જાય છે કે આપણે ગણિત ગણીએ છીએ તે પણ ભૂલી જઈએ છીએ. કેટલી ચા? કેટલી દાળ? કેટલી રોટલી? ધોબીને કેટલા કપડા આપવાના? કેટલું શાક લાવવું ? દૂધની થેલી નો હિસાબ ? કોના ઘરે કેટલો વ્યવહાર કરવો ? વગેરે વગેરે... આ બધું ગણિત જ છે ને?  કેટલો પગાર આવશે? કોને કોને આપવાના? લાઈટ બિલ? ગેસ બિલ ? કેટલા વધ્યા?
            લાગણીઓ પણ ગણિત જેવી બની ગઈ. સંબંધમાં પણ નફો નુકસાન દેખાવા માંડ્યો. ઘરના ખૂણે ખૂણામાં ગણિતની આકૃતિઓ ઉપસવા લાગી. વસ્તુઓની ગોઠવણી અને રસોઈમાં રોટલી, ભાખરી, પરોઠા નાં આકાર, વિવિધ મીઠાઈઓમાં આકાર, ઘડિયાળના કાંટે દોડતી જિંદગીને, કોમ્પ્યુટર નાં આંકડામાં રમાતી જિંદગી સાચે જ ગણિત સાથે વણાઈ ગઈ છે. કોઈ પણ કારીગર હોય.. તેનું કામ ગણિત વગર અધૂરું જેમ કે શાકવાળો, ધોબી, સોની, કરિયાણા વાળો,  દૂધવાળો, દવા વાળો, રીક્ષા ડ્રાઇવર, નાના મોટા ધંધા વાળા, ગણિતની ગણતરી માંથી ઊંચા નથી આવતા. શેર માર્કેટ તો એના વગર એક ડગલું પણ ના ભરે. કડિયા અને સુથાર નું પણ અલગ ગણિત હોય છે. કુદરત પણ પોતાની ગણત્રી મુજબ ચાલે છે. સમય મુજબ દિવસ રાત, સમય મુજબ ઋતુ અને ખોરાક, હવા, ફળ ફળાદી, ફૂલ ઉગાડે છે. આમ કુદરત પણ ગણિતથી ચાલે છે.
     સવારથી સાંજ સુધી દરેક કામમાં તમારો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થતો રહેતો હોય છે. નફા નુકસાન અને ટકાની વાત સિવાય બીજી કોઈ વાત નથી. માનવી યંત્ર બની ગયો છે.  પૈસા એ તેના મન મગજ પર એટલી હદ સુધી અસર કરી છે કે હવે પૈસા સિવાય બીજું કોઈ દેખાતું નથી. પૈસાને હાસ્ય અને રુદન બનાવી દીધા છે. પૈસાનો લાભ થાય, નફો થાય તો હાસ્ય જ હાસ્ય અને નુકસાન કે ખોટ જાય તો માથે હાથ મૂકી રડવા બેસે. માનવીય મૂલ્યોનું તો મહત્વ જ નથી રહ્યું.
      ઘણા તો સંબંધોને પણ પૈસાથી તોલે છે. મા બાપ ભાઈ બહેન સાથે પણ ગણિતનો નફો નુકસાન વિચારે છે. મારી દ્રષ્ટિએ જીવનમાં ગણિત હોવું જોઈએ એના વિના કોઈ કાર્ય શક્ય નથી પણ માનવીય મૂલ્યોમાં ગણિત ના આવવું જોઈએ. બધી જગ્યાએ ગણતરી ના કરાય. માનવી છે તો ગણિત છે પણ તમે તો ગણિતને માનવી સાથે મૂલવો છો એ બરાબર નથી. સંબંધો ભાવ ના ભૂખ્યા છે પૈસાના નહીં પણ સંબંધોને ખોટ ખાઈને પણ નિભાવવાની મજા આવે છે. જીતવું જ મહત્વનું નથી. હારવું પણ મહત્વનું હોય છે. 
*જિંદગીનાં વર્ષો ભલે ગણિતનાં એકડા થી શરૂ થઈ ગમે તે અંક પર અટકી જતા હોય, પરંતુ તમારા સારા કાર્યો, તમારો પ્રેમ, લાગણી અને તમારા પરિણામની સુવાસ અનંતકાળ સુધી ફેલાતી રહેશે.* 
આમ તો લોકવાયકા પણ એવું કહે છે કે માનવીને પ્રભુ એ ગણત્રી નાં શ્વાસ આપ્યાં છે. એટલું જીવન એ જીવે છે. જ્યાં શ્વાસની ગણત્રી પૂરી ત્યાં મૃત્યુ થાય છે. કર્મોનો હિસાબ થાય છે તો વળી પાપ પુણ્ય નાં લેખા જોખા પણ થાય છે. આખી જિંદગી માનવી સમય ચક્ર પ્રમાણે પોતાની ગણત્રી મુજબ, પોતાનાં આયોજન મુજબ સરસ જીવન જીવવા પ્રયત્ન કરે છે. જીવન છે તો થોડો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચાલ્યાં કરે છે. 
 આમ, જીવન અને ગણિત તાણાવાણા ની જેમ વણાઈ ગયા છે ફોન કે ઘડિયાળમાં, કોમ્પ્યુટર કે રમતમાં, કેલેન્ડર ની સાલમાં, ગણિત આપણને શીખવાડે છે કે *"એક પગલું ખોટું અને ખોટો જ આખો દાખલો"* જિંદગીનો કોઈ નિર્ણય ખોટો લેવાઈ જાય અને આખી જિંદગીની બાજી ઊંધી પડી જતી હોય છે. 
 આપણે સાચી ગણતરીમાં રહીશું. માનવીય સંબંધમાં મૂલ્યો કે ભાવનાની ગણતરી ન કરીએ. જિંદગી ભલે એક ગણિત હોય તેને માન આપી સાચી રીત પદ્ધતિ મુજબ જીવશું.

કિરણબેન શર્મા ' પ્રકાશ '

No comments:

Post a Comment